KHEDA : ‘જય’ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ

0
14
meetarticle

નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાતને ૨ અઠવાડિયા જેટલો સમય વીતવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગુરૂવારે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને પીડિત પરિવારે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતા. ૨૪ કલાકના અલ્ટીમેટમ બાદ પણ કાર્યવાહી શૂન્ય રહેતા હવે સમાજે ‘ન્યાય નહીં તો આંદોલન’ના મંત્ર સાથે અચોક્કસ મુદ્દતના ધરણાં શરૂ કર્યા છે અને આજે શુક્રવારે જિલ્લાભરમાં ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે.

નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત મામલે ગુરૂવારે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રણસંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ઘટનાના ૧૨ દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર હોવાથી દલિત સમાજમાં પ્રશાસન પ્રત્યેનો ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા આંદોલનકારીઓએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ ધામા નાખીને ‘જાતિવાદ સે આઝાદી’ અને ‘પોલીસ પ્રશાસન મુર્દાબાદ’ના નારાઓ લગાવ્યા હતા. સમાજના અગ્રણીઓએ પોલીસની કામગીરી સામે અધિક કલેક્ટરને રજૂઆત કરતા આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર જાણી જોઈને આરોપીઓને કાયદાકીય છટકબારી શોધવાનો સમય આપી રહ્યું છે. જ્યારે સામાન્ય નાગરિક સામે ગુનો નોંધાય ત્યારે ત્વરિત ધરપકડ કરતી પોલીસ, આ કેસમાં ૫થી વધુ આરોપીઓના નામ એફઆરઆઈમાં હોવા છતાં કેમ ‘તપાસ ચાલુ છે’ નું રટણ કરી રહી છે? સ્મિત નામના શખ્સે ‘જય પાટીલ’ને કેનાલ પાસે ૩૦ લોકોના ટોળાં સામે જે રીતે અપમાનિત કર્યોે અને કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરોએ તેને કેરિયર ખતમ કરી નાખવાની જે ધમકી આપી, તે સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ હોવા છતાં તંત્ર મૌન કેમ છે?

આંદોલનકારીઓએ રાજકીય દબાણ અને છાવરવાના આક્ષેપા સાથે આશંકા વ્યક્ત કરી છે કે, કોલેજ સંચાલકોના વગદાર સંપર્કોેને કારણે પોલીસ પર દબાણ હોઈ શકે છે. ૧૭ તારીખે હાઈકોર્ટમાં આરોપીઓની સ્ટે અરજી પર સુનાવણી થવાની છે, તે પહેલા પોલીસ ધરપકડ કરવાનું ટાળી રહી હોવાથી પીડિત પરિવારમાં અન્યાયની લાગણી પ્રબળ બની છે. સામાજિક કાર્યકરોએ ચેતવણી આપી છે કે, જો ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો આ લડત માત્ર નડિયાદ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડશે.

આજે શુક્રવારે ન્યાયની માંગણી સાથે દલિત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, શુક્રવારના રોજ નડિયાદ શહેર સહિત જિલ્લાના મુખ્ય ધોરીમાર્ગોે પર ‘ચક્કાજામ’ કરવામાં આવશે. વાહનવ્યવહાર રોકીને તંત્રને જગાડવાનો આ પ્રયાસ હશે. કલેક્ટર કચેરીની બહાર હાલમાં આમરણાંત ઉપવાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. જ્યાં સુધી આરોપીઓ જેલના સળિયા પાછળ નહીં જાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

– કોલેજે લાલ લીટો મારવાની ધમકી આપી : અગ્રણી

આ સમગ્ર મામલે દલિત સમાજના અગ્રણી અશોક રાઠોડે જણાવ્યંુ હતું કે, ‘જય’ તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. કોલેજે તેના પરિણામ પર ‘લાલ લીટો’ મારી દેવાની ધમકી આપી માનસિક રીતે તોડી નાખ્યો હતો. ૪ તારીખે ફરિયાદ થઈ હોવા છતાં ખેડા જેવો સાક્ષર જિલ્લો આરોપીઓને પકડવામાં નિષ્ક્રિય છે તે શરમજનક છે.

– આપઘાત પ્રકરણનો ઘટનાક્રમ

૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ : ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલે આત્મહત્યા કરી

૩૧ જાન્યુઆરી – ૨ ફેબુ્રઆરી, ૨૦૨૬ : પરિવાર અને સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન, સ્યુસાઈડ નોટના આધારે તપાસની માંગ

૦૪ ફેબુ્રઆરી, ૨૦૨૬ : નડિયાદ ટાઉન પોલીસ મથકે કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો અને સ્મિત નામના શખ્સ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆરઆઈ દાખલ કરાઈ

૦૮ ફેબુ્રઆરી, ૨૦૨૬ : આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ૨૪ કલાકનું અલ્ટીમેટમ અપાયું

૧૧ ફેબુ્રઆરી, ૨૦૨૬ : આરોપીઓએ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં સ્ટે મેળવવા અરજી કરી, જેની મુદત ૧૭ ફેબુ્રઆરીએ નક્કી થશે, સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર પ્રતિક ધરણાં શરૂ

૧૨ ફેબુ્રઆરી, ૨૦૨૬ : કલેક્ટર કચેરીમાં હોબાળો, આમરણાંત ઉપવાસની જાહેરાત અને ૧૩ ફેબુ્રઆરીએ જિલ્લામાં ‘ચક્કાજામ’ની ચીમકી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here