બોરસદ-વાસદ હાઇવે ઉપર આવેલા આંકલાવ તાલુકાના અંબાવ ગામ નજીક વહેલી પરોઢે એક ટ્રક અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ બંને વાહનોમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ આગમાં પિકઅપમાં સવાર એક મહિલા અને ચાલક બળીને ભડથું થઈ ગયા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા વિજયભાઈ ભનાભાઈ મકવાણા રાજકોટની દ્વારકાધીશ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. પંચમહાલના અલ્પાબેન ભરતસિંહ સોલંકી સાથે તેઓને પ્રેમ સંબંધ હોય બંને સાથે રહેતા હતા. રવિવારની સાંજના સુમારે વિજયભાઈ મકવાણા ટ્રાન્સપોર્ટની પિકઅપ ગાડીમાં કેરબામાં એલ.ડી.ઓ ભરી ઘરેથી નીકળ્યા હતા. તેમની સાથે અલ્પાબેન સોલંકી પણ ફરવા માટે ગયા હતા. દરમિયાન સોમવારની વહેલી પરોઢેે પિકઅપ બોરસદ-વાસદ હાઇવે ઉપર આવેલા આંકલાવ તાલુકાના અંબાવ ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી.
તે દરમિયાન પૂરઝડપે આવી ચડેલા એક ટ્રક ચાલકે પિકઅપ ગાડી સાથે ટ્રક અથડાવતા પિકઅપ ડાલામાં ભરેલા એલ.ડી.ઓના કેરબામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે પિકઅપ ગાડીમાં સવાર ચાલક વિજયભાઈ મકવાણા અને અલ્પાબેન સોલંકી ગાડીમાંથી બહાર નીકળી નહીં શકતા બંને આગમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી જતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકના આગળના ભાગમાં પણ આગ લાગી હતી અને કેબિન તથા ટાયરો ભળભળ સળગવા લાગ્યા હતા. અકસ્માત અંગે સ્થાનિકોને જાણ થતા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરતા બંને ટીમો પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજયભાઈ ભનાભાઈ મકવાણાની ફરિયાદના આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

