તારાપુરના ગલિયાણા ગામમાં ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરને આણંદ એસઓજીની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એસઓજી પોલીસ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તારાપુરના ગલિયાણા ગામમાં અવની ફાર્મ પાસે બોગસ ડૉક્ટર દવાખાનું ચલાવતો હોવાની બાતમી મળી હતી. મેડિકલ ઓફિસરને સાથે રાખી પોલીસે તપાસ કરતા નાનીગોપાલ નિર્મલ રોય (રહે. નાના ફળિયા, ગોલાણા, ખંભાત મૂળ રહે. કાચના, થાના ઈસ્લામપુર, વેસ્ટ બંગાળ) ડૉક્ટર તરીકે સેવા આપતો હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર પણ નહીં હોવાનું ખૂલ્યું હતું. દવાખાનામાંથી વિવિધ દવાઓ, ઈન્જેક્શન્સ, મેડિકલ ઉપકરણો સહિત રૂા. ૧૭,૮૩૫નો મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડૉક્ટરને તારાપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગુનો દાખલ કરાયો હતો.

