ખેડા જિલ્લામાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના તમામ પોલીસ હદ વિસ્તારમાં અને ખાસ કરીને અન્ય જિલ્લાઓ સાથે જોડાયેલી સરહદો અને પ્રવેશદ્વારો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ કામગીરીના ભાગરૂપે નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડતાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તરસંડા આઈ.ટી.આઈ. ચોકડી પર વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના અન્ય પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે, નશામાં વાહન ન ચલાવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

