નડિયાદના ધર્માંતરણ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાનના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલી દેવાયો છે. પોલીસે આ મામલે સ્ટીવનના સાગરીત અને ધર્માંતરણની વિધિમાં સક્રિય સ્મીતુલની ધરપકડ કરી સોમવાર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ કસ્ટડીમાં સ્મીતુલ પાસેથી ધર્માંતરણની પદ્ધતિઓ અને તેના અન્ય સાગરીતોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે.

નડિયાદ શહેરમાં નોંધાયેલી ધર્માંતરણની ફરિયાદ બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની ધરપકડ કરી હતી. સ્ટીવનના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. દરમિયાન, પોલીસે આ કૌભાંડમાં સ્ટીવનને મદદ કરનારા અને ધર્માતરણની વિધિ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વધુ એક આરોપી સ્મીતુલને ઝડપી પાડયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્મીતુલ સ્ટીવનના કહેવા પર ધર્માંતરણ માટે તૈયાર થતા લોકોને શોધતો અને વિધિ કરાવતો હતો. તે સ્ટીવનના નાણાંકીય વ્યવહારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પણ મદદગાર હતો. સ્મીતુલને કોર્ટમાં રજૂ કરતા ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે સોમવાર સુધીના છે.અગાઉ સ્ટીવનના રિમાન્ડ દરમિયાન ધર્માતરણ માટે વિદેશી ડોલર દ્વારા એકાદ-બે કરોડના ફન્ડિંગની માહિતી મળી હતી. હવે સ્મીતુલના રિમાન્ડ દરમિયાન ધર્માંતરણ માટેના નાણાં ક્યાંથી આવતા હતા, સ્ટીવન સાથે તેનું જોડાણ કેટલું જૂનું છે અને આ રેકેટમાં અન્ય કોઈ સરકારી કે ખાનગી વ્યક્તિઓ શામેલ છે કે કેમ, તે અંગે વધુ ઊંડાણપૂર્વક પોલીસ તપાસ હાથ ધરશે.સ્ટીવનના આર્થિક વ્યવહારોની જાણકારી પણ સ્મીતુલને હોવાની આશંકા
ધર્માંતરણ મામલામાં આરોપી સ્મીતુલની ભૂમિકા સ્ટીવનના સાગરીત તરીકેની હતી. તે માત્ર વિધિ કરાવવામાં જ નહીં, પરંતુ લોકોને આ ધર્મ તરફ વાળવા માટે પણ સક્રિય હતો. પોલીસને શંકા છે કે સ્ટીવન દ્વારા થતા આથક વ્યવહારોની જાણકારી પણ સ્મીતુલને હોઈ શકે છે. આ કેસમાં સ્મીતુલની ધરપકડ એક મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

