બાલાસિનોર શહેરમાં બુધવારે પોલીસ દ્વારા જુદા જુદા સાત પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા રૂ.૫૬.૭૮ લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલોને મેદાનમાં રાખીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

બાલાસિનોરના મુલતાનપુરા ભાંથલા રોડના ખુલ્લા મેદાનમાં આજે સવારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, જુદા જુદા પોલીસ મથકના મુખ્ય અધિકારીઓ વગેરેની હાજરીમાં દારૂના મોટા જથ્થાનો નાશ કરાયો હતો. આ અંગે વિગતો આપતા ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, જુદા જુદા સાત પોલીસ મથકોની હદમાં દાખલ થયેલા કુલ ૭૧ ગુનામાં કબજે લેવામાં આવેલી દારૂની ૧૦,૪૨૮ બોટલનો નાશ કરવામાં આવ્યો છે. જેની કૂલ કિંમત રૂ.૫૬,૭૮,૬૫૦ થાય છે. દરેક બોટલનો યોગ્ય રીતે નાશ થાય તેનું ધ્યાન રાખીને સરકારી પ્રક્રિયા અનુસારીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કયાં પોલીસ મથકના ગુનાની કેટલી બોટલ હતી ?
બાલાસિનોર ટાઉન રર ગુનાની ૩૨૦ બોટલ, બાલાસિનોર તાલુકા ૧૧ ગુનાની ૧૮૪૫ બોટલ, બાકોર ૧૭ ગુનાની ૪૫૬૯ બોટલ, કોઠંબા ૧૨ ગુનાની ૭૬૧ બોટલ, લુણાવાડા તાલુકા ૨ ગુનાની ૬૮૯ બોટલ, લુણાવાડા ટાઉન ૧ ગુનાની ૨૬૦ બોટલ, વિરપુર ૬ ગુનાની ૧૯૮૪ બોટલ

