KHEDA : ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત

0
14
meetarticle

ગલતેશ્વર તાલુકાના ડાભસર ગામ પાસેથી પસાર થતી મુખ્ય મહી કેનાલમાં એક કાર ખાબકતા ચપટીયા ગામના આશરે ૭૫ વર્ષીય વૃદ્ધનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ભત્રીજીના લગ્ન પ્રસંગમાં જઈ રહેલા વૃદ્ધની કાર રાત્રિના અંધકારમાં કેનાલના ૧૫ ફૂટ ઊંડાઈમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.

ચપટીયા ગામના વતની મહેન્દ્રભાઈ મોતીભાઈ પટેલ (ઉં.વ.આ. ૭૫) ગુરૂવારની રાત્રે આશરે ૮.૩૦ વાગ્યાના અરસામાં પોતાની કાર લઈને ઠાસરા ખાતે આવેલ શ્રી રામ પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા હતા. તેમના ભત્રીજા હસમુખભાઈની દીકરી પ્રિયેશાના લગ્ન હોવાથી તેઓ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ડાભસર ગામ પાસે તેમની કાર અચાનક મુખ્ય મહી કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલમાં પડી હોવાની જાણ થતા જ ડાભસર, કોસમ, વનડદ અને અંગાડી જેવા આસપાસના ગામોના લોકોના ટોળાં ઉમટી પડયા હતા  ડાભસર અને પડાલના સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કેનાલના પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. ગલતેશ્વર અને ઠાસરા તાલુકાનું વહીવટી તંત્ર પણ સ્થળ પર પહોંચ્યું હતું અને કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરાવ્યો હતો. કાર પાણીમાં પડયા બાદ આશરે દોઢ કલાક સુધી તેની લાઈટો ચાલુ દેખાતી હતી. વહેલી સવારે પાણી ઓછું થતા ગાડી દેખાઈ હતી, જેને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી. કમનસીબે, મહેન્દ્રભાઈનું ગાડીમાં જ ડૂબી જવાથી મોત થયું હતું. આ દુર્ઘટના પાછળ રસ્તાની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષાના સાધનોનો અભાવ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વણાંકબોરીથી ખોખણપુર સુધી તાજેતરમાં બનેલા નવા રોડને કારણે અમદાવાદ-ઈન્દોર હાઈવેનો ટ્રાફિક આ ટૂંકા રસ્તે વળ્યો છે, જેનાથી અંતર ૧૦ કિમી ઘટે છે. આ રસ્તો માત્ર ૧૨ ફૂટ પહોળો (સિંગલ પટ્ટી) છે અને કેનાલની પાળની એકદમ નજીક છે. સામેથી વાહન આવે ત્યારે સાઈડ કાપવી મુશ્કેલ બને છે અને રસ્તા અને કેનાલ વચ્ચે કોઈ પ્રોટેક્શન વોલ કે લોખંડની રેલિંગ નથી. અંગાડી (ચપટીયા) ગામના પૂર્વ સરપંચ મિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવો રસ્તો બનતા ટ્રાફિક વધ્યો છે. જો પડાલથી ખોખણપુર સુધી તાત્કાલિક લોખંડની રેલિંગ નાખવામાં નહીં આવે, તો ભવિષ્યમાં હજુ પણ મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here