ખેડા અને પંચમહાલ જિલ્લાને જોડતા મહીસાગર બ્રિજ ત્રણ મહિનાથી બંધ છે. પરિણામે બંને જિલ્લાના લોકો અવર- જવર માટે ભારે અગવડ ભોગવી રહ્યા છે. ત્યારે મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે આજે પંચમહાલ જિલ્લાના પાંચ ગામના સરપંચો સેવાલિયા સેવા સદન ખાતે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. તંત્રએ તા. ૧૭મી સુધી બ્રિજ શરૂ કરી દેવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું.

ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતો મહીસાગર બ્રિજ સમારકામ માટે છેલ્લા ત્રણ મહિનાથી અવર-જવર માટે બંધ કર્યો છે. પરિણામે પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય અગાઉ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતના સંખ્યાબંધ જર્જરિત બ્રિજ બંધ કરાયા હતા, જેને કારણે સેવાલિયા ખાતે આવેલો મહીસાગર બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે ત્રણ મહિના વીતિ ચૂક્યા હોવા છતાં અધિકારીઓની મનમાનીના કારણે બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ ના કરાતા પાંચ ગામના સરપંચોએ ઉગ્ર આંદોલન છેડયું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના ઉદલપુર, વચ્ચેસર, ટીંબા, ગોઠડા અને તુલસી ગામના સરપંચોએ સેવાલિયા સેવા સદન ખાતે આજે સવારથી ભૂખ હડતાલ પર ઉતર્યા હતા.
આંદોલનમાં સેવાલિયા તેમજ આસપાસના ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ત્યારે દોડતા થયેલા તંત્રએ અંતે લેખિતમાં તા. ૧૭-૧૦-૨૦૨૫ના રોજ બ્રિજ રાબેતા મુજબ શરૂ કરી દેવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું.
અગાઉ 10 દિવસની બાંહેધરી આપવા છતાં બ્રિજ શરૂ ન થયો
થોડા સમય પહેલા આ જ ગ્રામજનો દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે દસ દિવસમાં બ્રિજ ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી પરંતુ, ૧૫ દિવસ ઉપર થવા છતાં કોઈ પરિણામ ના દેખાતા આખરે સરપંચોએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.
વછેસરના સગર્ભા સરપંચ આંદોલનમાં જોડાતા તંત્ર દોડતું થયું
વડોદરા જિલ્લાના વછેસરના મહિલા સરપંચ સગર્ભા હોવા છતાં આંદોલનમાં જોડાયા હતા. જેને જોઈ અધિકારીઓ દોડતા થયા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આંદોલન ઉપર બેઠેલા તમામ સરપંચોને પારણા કરાવ્યા હતા.

