યાત્રાધામ ડાકોરમાં ગુરૂવારે દેવદિવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. કાર્તકી પૂર્ણિમાએ ઠાકોરજીને સવાલાખનો મુગટ સહિતનો શ્રૂંગાર કરાશે. ત્યારે પદયાત્રીઓનો પ્રવાહ ડાકોર નગરમાં આવવાનો શરૂ થઈ ગયો છે.

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ પૂર્વે અમદાવાદ તરફથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ રહેતો હોય છે. ત્યારે કારતક પૂર્ણિમાએ વડોદરા, આણંદ તરફથી ભક્તોનો વધારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે તા. ૫મીને ગુરૂવારે કારતક પૂનમ દેવદિવાળીના દિવસે ડાકોરના ઠાકોરજીના દર્શન કરવા પગપાળા યાત્રીઓ ઉમટી રહ્યા છે. ગુરૂવારે સવારે ૪.૩૦ વાગ્યે મંગળા આરતીથી ઠાકોરજીના દર્શન ભક્તો સાંજે ૫ વાગ્યા સુધી કરી શકશે. સાંજે ૫.૩૦ કલાક બાદ નિત્યક્રમ અનુસાર ભોગ શરૂ થઈ અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. ડાકોર ઉમરેઠ રોડ ઉપર બે દિવસથી મોટી સંખ્યામાં પગપાળા ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે રોડ પર ઠેરઠેર ભંડારાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ સંવંત ૧૨૧૨માં ડાકોરના ભક્ત વિજયસિંહ બોડાણા દ્વારકાથી ઠાકોરજીને ડાકોર લાવ્યા ત્યારે ઉમરેઠ પાસે પરોઢિયે લીંમડાની ડાળ પકડી દાતણ કર્યું હતું તે સ્થળે પણ ભક્તો દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.

