KHEDA : લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ

0
105
meetarticle

ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા ૮૦ લાખ ઉપરાંતની માતબર રકમના નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં લીંબાસી પોલીસે મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી છે. લીંબાસીની યોગીકૃપા રાઇસ મીલના મહેતાજી અને તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


લીંબાસી પોલીસ સ્ટેશનમાં રાઇસ મીલના માલિક જીગ્નેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે તા. ૨૪-૧૧-૨૦૨૪ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લીંબાસીની યોગીકૃપા રાઈસ મિલમાં ૧૪ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આશીષભાઈ પટેલ મીલના તમામ હિસાબો, બેન્કની લેવડદેવડ અને નાણાં સંબંધી વ્યવહારો સંભાળતા હતા. તા. ૦૧/૦૩/૨૦૨૩ થી ૩૦/૦૯/૨૦૨૪ દરમિયાન મીલનું વાષક ઓડિટ કરવામાં મોટી ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં ૨૬૦૦ ક્વિન્ટલ (૧૩,૦૦૦ મણ) ડાંગરની ઘટ જણાઈ, જેની કિંમત ૫૬,૮૬,૦૦૦ થતી હતી. ઉપરાંત, હીસાબી ચોપડાઓમાં અન્ય ૨૩,૧૫,૦૦૦ની રકમ પણ ઓછી જણાઈ હતી. એકાઉન્ટન્ટ આશીષભાઈએ મળીને કુલ ૮૦,૦૧,૦૦૦ની રકમનો અંગત ઉપયોગ કરી વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ છે. આશીષભાઈએ પિતરાઈભાઈ હિરેનભાઈ પટેલની મદદ લઈને નાવ્યા ટ્રેડર્સના માલિક હાદકભાઈ પટેલ સાથે ખોટા બિલો બનાવ્યા હતા. આ બિલોની રકમ ૫૬,૮૬,૦૦૦ હાદકભાઈના ખાતામાં જમા કરાવી, તે રકમ ચેક તેમજ રોકડના માધ્યમથી પાછી મેળવી અંગત કામમાં વાપરી નાખી હતી. હિરેનભાઈ પટેલે ટ્રાન્સપોર્ટનું ખોટું કામકાજ બતાવી, ખોટા બિલોમાં અગાઉના સાચા વજન કાંટા પાવતીઓ જોડીને હીસાબી ચોપડામાં ઉપયોગ કરી મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પ્રકરણમાં છેલ્લા ૧૦ માસથી આરોપીઓ નાસતા ફરતા હતા. દરમિયાન જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી, જે નામંજૂર થઈ હતી. 

આ સમગ્ર પ્રકરણમાં આજે લીંબાસી પોલીસે યોગીકૃપા રાઈસ મિલના એકાઉન્ટન્ટ અને પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી. જે બાદ માતર કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

રૂા. 4.50 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો મિલ માલિકનો દાવો

આ સમગ્ર મામલે ફરિયાદી જીગ્નેશકુમાર ઠક્કરે જણાવ્યું છે કે, ફરિયાદ નોંધાવ્યા બાદ મિલના વધુ બિલો અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી હતી. જેથી આ સમગ્ર કૌભાંડ ૮૦ લાખનું નહીં, પરંતુ રેકર્ડ પર ૪.૫૦ કરોડ રૂપિયાનું સામે આવ્યું છે. આ અંગે હજુ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આંકડો હજુ પણ વધી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here