નડિયાદના ગુતાલ પાસે હાઇવે પર આવેલી ચોકડી નજીક જર્જરિત જલારમ મંદિર ખાતેથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળેલા મૃતદેહના ગુનાનો ભેદ વડતાલ પોલીસે ઉકેલી નાખ્યો છે.સમલૈગિક સંબંધની માગણીથી કંટાળી ગયેલા આધેડે મિત્ર સાથે મળી યુવકની હત્યા કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ મામલે બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
નડિયાદના ફતેપુરા ગામ ખાતે પજુકુઈ તલાવડી વિસ્તારમાં વેરાઈ માતાના મંદિર પાસે રહેતા રમણભાઇ ગોતાભાઈ પરમારના ભાણિયા કાભઈભાઈ પૂનમભાઈ પરમારનો હત્યા કરાયેલો મૃતદેહ ૭ ઓક્ટોબરના રોજ નડિયાદના ગુતાલ ગામ પાસે વડોદરા તરફના નેશનલ હાઈવે નંબર ૪૮ના સવસ રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતેથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ વડતાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વડતાલ પીઆઇની આગેવાનીમાં પોલીસની ત્રણ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સ, ટેકનિકલ એનાલિસિસ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. શંકાસ્પદ જણાતા ભીખા ઉર્ફે ભાનુ ઉર્ફે ભનુમતી શના ગોકળ ભોઇ (હાલ રહે. ગુતાલ ચોકડી, તા. નડિયાદ, મૂળ રહે. બેડવા, ભોઇ વાડો, તા. જી. આણંદ)ને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે કાભઈભાઈ પરમારની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.

પોલીસને ભીખા ઉર્ફે ભાનુ ઉર્ફે ભનુમતીએ જણાવ્યું હતું કે, મૃતક કાભઈ પરમાર અવારનવાર કચરો વીણવા આવતો હોવાથી તેમનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ ભીખા ઉર્ફે ભાનુમતીને કાભઈ સાથે સમલૈંગિક સંબંધ બાંધવાની ટેવ પડી હતી. જોકે, છેલ્લા ઘણા સમયથી ભીખા ઉર્ફે ભાનુમતીને કાભઈ સાથે સમલૈંગિક સંબંધ બાંધવાની ઈચ્છા ન હોવા છતાં કાભઈ વારંવાર તેને સમલૈંગિક સંબંધ બાંધવા માટે હેરાનગતિ કરતો હતો. કાભઈની આ હેરાનગતિથી ભાનુ ઉર્ફે ભાનુમતી ત્રાસી ગયો હતો. જેના પગલે ભાનુમતી ઉર્ફે ભાનુએ આ અંગે તેના મિત્ર ભુપત ફુલા હાથીભાઈ જાદવ (રહે. ગુતાલ, ખોડિયાર મંદિર પાછળ, તા. નડિયાદ) સાથે વાત કરી હતી. બાદમાં ભાનુ ઉર્ફે ભાનુમતી અને તેના મિત્ર ભુપત જાદવે ૬ ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે કાભભાઈ પરમારની હત્યા કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યાની કબૂલાત અનુસાર, હત્યાના સમયે ભાનુ ઉર્ફે ભાનુમતીએ મૃતકના પગ પકડી રાખ્યા હતા અને મિત્ર ભુપત જાદવે નજીકમાં પડેલો પથ્થર ઉઠાવી કાભઈ પરમારને છાતી અને પેટના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. વડતાલ પોલીસે આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

