બોરસદ તાલુકાના કાલુ ગામના ત્રણ શખ્સોએ કંકાપુરા ગામની સીમમાં આવેલી ૩૫ ગુંઠા જેટલી જમીન પચાવી પાડતા જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ વીરસદ પોલીસે ત્રણેય શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદના બદલપુર તાબે નારાયણ પુરા ખાતે રહેતા દોલતસિંહ સુરસંગ સોલંકીની કંકાપુરા ગામની સીમમાં વડીલોપાર્જિત જમીન આવેલી છે. તેમના દાદાના અવસાન બાદ દોલતસિંહના પિતા અને કાકા મથુરભાઈના નામ આ જમીનમાં દાખલ થયા હતા. વર્ષ ૨૦૧૨માં સુરસંગ અને ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં કાકા મથુરભાઈ પણ અવસાન પામ્યા હતા, જેથી દોલતસિંહે જમીનની વારસાઈ કરાવતા જાણવા મળ્યું હતું કે, તેમની ૨૦ ગુઠા નહીં પરંતુ ૬૦.૮૭ ગુંઠા જેટલી જમીન છે. આ જમીનની વચ્ચે કેનાલ આવેલી હોવાથી જમીન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જેમાં ૨૦ ગુંઠા જેટલી જમીન ઉપર તેઓ ખેતી કામ કરતા હતા અને પાંચ ગુંઠા જેટલી જમીન કેનાલમાં ગઈ હતી. જ્યારે બાકીની જમીન ઉપર બાજુમાં આવેલી ઉદેસિંગ દેવાભાઈની માલિકીની જમીનના વારસદારોએ કબજો જમાવી દીધો હતો. જેથી રમેશભાઈ ઉર્ફે દુબો ઉદેશીંગ ગોહેલ, ભયજીભાઈ રાયસંગભાઈ ગોહેલ અને લાલજીભાઈ રાયસંગભાઈ ગોહેલ (ત્રણેય રહે. કાલુ,તા. બોરસદ)ને જમીનનો કબજો ખાલી કરવા દોલતસિંહે જણાવતા તેઓએ ‘આ જમીન અમારી છે, અમે ખેતી કરીએ છીએ’ તેમ કહી જમીન ખાલી કરી નહોતી. જેથી દોલતસિંહે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં આ અંગે અરજી કરતાં લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તપાસ કરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. વીરસદ પોલીસે જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવનાર ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

