કરમસદ આણંદ મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી ફરીથી શરૂ કરી છે. આણંદ શહેરની બોરસદ ચોકડીએ આવેલા ૪૦થી વધુ દબાણ વહીવટી તંત્ર હટાવી ઝૂંબેશ આરંભી છે.

આણંદ શહેરમાં બોરસદ ચોકડીએ પુલ નીચે ૪૦ વર્ષથી જુના ૨૦૦થી વધુ દબાનો ૬ મહિના અગાઉ મહાપાલિકાએ મેગા ડિમોલેશન કરીને દૂર કર્યા હતા. દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી સરકારી જમીન ઉપર ફરી દબાણો ના ખડકાય તે માટે ફેન્સિંગ કરી દેવાઈ હતી. પરંતુ, સમયાંતરે દેખરેખ ના અભાવે ફરીથી ઝૂપડપટ્ટીના રહીશોએ ધીમે ધીમે દબાણો શરૂ કર્યા હતા. ત્યારે કરમસદ આણંદ મહાપાલિકાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જેસીબી અને ટ્રેક્ટર જેવા સાધનો સાથે ત્રાટકી હતી. ટીમે આણંદની બોરસદ ચોકડીએ ફરી ખડકાયેલા અંદાજે ૪૦થી વધુ દબાણ દૂર કરી જમીન ખૂલ્લી કરી હતી. ત્યારે આણંદ શહેરમાં હજૂ સરકારી જમીનમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવા સંદર્ભે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

