આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામેથી નકલી ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડયો હતો. ક્લિનિકમાં સાત બેડ મૂકી દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આણંદ એસઓજી પોલીસની ટીમે નાવલીના મેડિકલ ઓફિસરને સાથે રાખી નાપાડ તળપદના ખ્વાજા પાર્ક પાસે મા ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરી હતી. જ્યાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા સંજય અકબર ખાન રાઠોડ રહે. નાપાડ તળપદને ઝડપી પાડયો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, તબીબી સાધનો, મોબાઈલ સહિત રૃા. ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સરકારી પીએસચી સેન્ટર પાસે જ બોગસ ક્લિનિક ચલાવાતું હતું. જેમાંથી સંજય અકબર ખાન રાઠોડ રહે. નાપાડ તળપદવાળાને ઝડપી પાડયો હતો. ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના સંજય રાઠોડ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન તથા સારવારના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૨૦,૬૭૬ની દવાઓ તથા સાધન સામગ્રી અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ સંજયકુમાર અકબર ખાન રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યો હતો.નાપાડ તળપદ ગામે સરકારી પીએસસી સેન્ટરની નજીકમાં જ સંજય રાઠોડ દ્વારા બોગસ ક્લિનિક ચલાવવામાં આવતું હતું. પત્ની ડોક્ટર સુશીલા ગરાસીયા બીએચએમએસની ડિગ્રી ધરાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા અનેક બોગસ ક્લિનિક ધમધમી રહ્યા છે. ત્યારે કોની રહેમ નજર હેઠળ જિલ્લામાં આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

