ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં પાણીની પાઈપ લાઈનમાં ભંગાણના કારણે ચાર હજારની વસ્તી પાંચ દિવસથી પાણી માટે વલખાં મારી રહી છે. ત્યારે સત્વરે સમારકામ કરી પીવાનું પાણી પુરૂ પાડવા માંગણી ઉઠી છે.

ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં અંદાજે ચાર હજાર લોકો વસવાટ કરે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજના હેઠળ વાડદ ગામમાં પાઈપ લાઈન નાખીને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.
વાડદ ગામ પાસે જ્યાંથી પાણીની પાઈપ લાઈન પસાર થાય છે ત્યાં કોઈ શખ્સે જેસીબીથી માટી ખોદકામ કરી લઈ જતા પાઈપ લાઈન તોડી નાખી છે.
પરિણામે વાડદના ગ્રામજનો પાંચ દિવસથી પીવાના પાણી માટે દોડધામ કરવા મજબૂર બન્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી સમારકામ કરવાની તસ્દી પણ લેતું નહીં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. હાલ ડભાલી ગામની ચાર હજારની જનતા જૂના હવડ કૂવામાંથી ડહોળું પાણી વાપરવા મજબૂર બની છે. ત્યારે તંત્ર વહેલી તકે પાઈપ લાઈનનું રિપેરિંગ કરાવી અને લાઈન ખોદી નાખનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી પીવાનું પાણી પહોંચાડે તેવી માંગણી ઉઠી છે.

