યાત્રાધામ ડાકોરમાં આજે ગોપાષ્ટમીનો ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને કેસર સ્નાન કરાવી શણગાર ભોગમાં તિલક કરાયું હતું. આજે બપોરના એક વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા.

મંદિરમાં મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય દરવાજા પર વાડફાર્મમાંથી ગાયોને લાવીને મંદિરના મુખ્ય પૂજારી ભંડારી મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી હતી. બાદમાં ડાકોરની ગલીમાં ગાયોને ફેરવવામાં આવી હતી.
કારતક સુદ આઠમના દિવસે ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આજે માતા યશોદાજીના આર્શિવાદ લઇને ગોપાલલાલજી ગાયો ચરાવવા પ્રથમ વખત ગયા હતા. જેથી આજે ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે અને પરંપરા મુજબ આજે ડાકોર મંદિરમાં ગોપાષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે. આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

