ડાકોરમાં પાલિકા તંત્રએ ૩ મહિનાથી ખોદેલા ખાડામાં વૃદ્ધા પડતા ઈજાગ્રસ્ત થયા હતા. વારંવાર રજૂઆત છતાં પાલિકા તંત્ર દ્વારા રસ્તા કે ગટરના કામ પૂર્ણ કરાતા નથી કે ખાડાં બૂરાતા નથી. પરિણામે આજે વૃદ્ધા અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે પાલિકા તંત્ર સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ડાકોર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિકાસ કામોના બહાને ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા છે. ભગતજીન, ખોડિયાર મંદિર, ગણેશ ટોકીઝ વિસ્તારમાં પાલિકાએ માર્ગો અગાઉથી ખોદી નાખ્યા છે. ત્રણ મહિના ગટરના ભૂંગળા દબાવવા માટે રોડ તોડીને મૂકી રાખવામાં આવ્યો છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં પાલિકાના ચીફ ઓફિસરને રસ નહીં હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

આજે સાંજે ભગતજીનમાં રહેતા જયાબેન ગોપાલદાસ ધોબી નિત્યક્રમ મુજબ રણછોડજીના દર્શન કરવા જતાં હતાં. ત્યારે ગણેશ ટોકીઝ પાસે ખોદેલા ખાડામાં પડી ગયા અને લોહી લુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ૬૮ વર્ષના જયાબેનને ત્વરિત ડાકોર સબ ડિસ્ટ્રીટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાલિકાની બેદરકારીએ ખોદેલા ખાડાના કારણે વૃદ્ધા અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે આ ઘટના સંદર્ભે પાલિકાના ચીફ ઓફિસર સહિત કોઈ અધિકારી મહિલાની સંભાળ માટે ડોકાયું પણ ન હતું.
ગટરનું કામ કોણ કરે છે તે પણ પાલિકાના ચીફ ઓફિસરને ખબર નથી
ડાકોરના વૃદ્ધા ગટરમાં પડયા તે બાબતે પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ અજાણ હતા. ખોડિયાર મંદિર વિસ્તારમાં ગટરનું કામ કોણ કરે છે તે અંગે પૂછતા તેમણે પૂછવું પડશે તેમ જણાવ્યું હતું.

