KUTCH : પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા

0
14
meetarticle

કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ થયેલા પ્રેમીપંખીડાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં 39માં દિવસે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે યુવતીના પિતાએ જ પોતાના ભાણેજ સાથે મળીને પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ખાંભલા ગામની 19 વર્ષીય નાથીબેન રબારીને પોતાના જ સમાજના 21 વર્ષીય નવીન રબારી સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ પરિવારને મંજૂર ન હોવાથી બંને ત્રીજી ફેબ્રુઆરીના રોજ ઘરેથી ભાગી ગયા હતા. આ અંગે યુવક અને યુવતીના પરિવારો દ્વારા નખત્રાણા પોલીસ મથકે ગુમ નોંધ પણ કરવામાં આવી હતી.

ઓનર કિલિંગની શંકાના આધારે પોલીસે જ્યારે યુવતીના પિતા વકા રબારીની સઘન પૂછપરછ કરી, ત્યારે સત્ય સામે આવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે પોતાના ભાણેજ પબા રબારી સાથે મળીને ભાગી ગયેલા બંને પ્રેમીઓને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ રસ્તામાં જ બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહોને ખાંભલા ગામના એક કૂવામાં ફેંકી દીધા હતા.

આરોપીની કબૂલાત બાદ નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ કૂવામાંથી નવીન અને નાથીબેનના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે રબારી સમાજ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here