નખત્રાણા તાલુકાના મુરુ ગામે એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે.કચ્છ જિલ્લામાં આવેલા નખત્રાણા તાલુકાના મુરુ ગામે એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેણે વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. નખત્રાણાના મુરુ ગામના રહેવાસી રમેશ મહેશ્વરી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક રમેશની હત્યા તેના જ મિત્ર કિશોર દ્વારા કરવામાં આવી છે.

પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન મૃતક રમેશનો મોબાઈલ ફોન તેના મિત્ર કિશોર પાસેથી મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોને જ હત્યાના તમામ રાઝ ખોલી દીધા હતા.પોલીસની પૂછપરછમાં આરોપી કિશોરે કબૂલ્યું કે હત્યાનું મુખ્ય કારણ એક યુવતી સાથેના પ્રેમ સંબંધો હતા. મૃતક રમેશ અને આરોપી કિશોર બંન્ને એક જ યુવતીને પ્રેમ કરતા હતા, જેના કારણે આ બંન્ને મિત્રો વચ્ચે અગાઉ પણ તીવ્ર ઝઘડો થયો હતો. આ અંગત અદાવતમાં જ કિશોરે રમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપી કિશોરે માત્ર હત્યા જ નહોતી કરી, પરંતુ તેણે ક્રૂરતાની હદ વટાવીને મૃતક રમેશની લાશના ટુકડા કરી નાખ્યા હતા. હત્યા બાદ લાશના આ ટુકડાઓને તેણે ત્રણ અલગ-અલગ બોરમાં નાખી દીધા હતા. પોલીસે હવે આરોપી કિશોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે. આ બનાવને પગલે સમગ્ર નખત્રાણા પંથકમાં આઘાત અને ચર્ચાનો વિષય બન્યો છે.
