લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષીય બાળકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. બનાવના કારણે બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભાડરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 14 વર્ષીય બાળકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. આ બનાવના કારણે બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામમાં રહેતા 14 વર્ષના રાજવીર અરવિંદ પાયર નામના બાળકે પોતાના ખિસ્સામાં મોટોરોલા કંપનીનો મોબાઈલ રાખ્યો હતો. આ મોબાઈલ અચાનક ધડાકા સાથે ફાટતાં બાળકને સાથળના ભાગે સામાન્ય પ્રકારની ઈજા થઈ હતી.
બાળકે જણાવ્યું હતું કે, ખિસ્સામાં ધડાકા સાથે મોબાઈલ ફાટ્યા બાદ તેણે તરત જ તેને બહાર કાઢી નાખ્યો હતો, તેમ છતાં બહાર કાઢ્યા પછી પણ તેમાં વધારાના બે ધડાકા થયા હતા. આજકાલ બાળકો મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના વાલીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે. મોબાઈલના વધારે પડતા વપરાશ, બેટરીની ગુણવત્તા કે ઓવરહીટિંગ જેવા કારણોસર આવા બનાવ બની શકે છે, જે બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે.
