ભરૂચ એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે, પોલીસે અંકલેશ્વરના માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર તરફ જતા રસ્તા પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે એક ઇનોવા કાર (GJ 06 EB 7447) ને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 225 બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત આશરે રૂ. 72,000 છે. પોલીસે દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 3,75,000નો જથ્થો જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે, વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળિયામાં રહેતા રીંકુ રામુ વસાવાની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન, દારૂનો આ જથ્થો ભરી આપનાર નાના સાંજા ગામના બુટલેગર અલ્પેશ અને ઠાકોર ઉર્ફે ભીમના નામ સામે આવ્યા છે. પોલીસે આ બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


