થરાદ વિસ્તારમાં એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી મારુતિ બ્રેઝા કારને પકડી પાડી છે. પોલીસે કાર નંબર જી.જે-૧૮-બી.જે-૧૩૪૯ માંથી કુલ ૨૧૧૫ બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે.
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કાવતરા દરમિયાન પોલીસને રામપુરા ગામે ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. સફેદ કલરની બ્રેઝા કાર રાણેસરી ગામ તરફથી થરાદ તરફ આવી રહી હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાલકે કાર ભગાડી મૂકી હતી.
આ દરમિયાન સાથે આવેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસના વાહનને ટક્કર મારી હતી. બ્રેઝા કારના ચાલકે પણ વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે જપ્ત કરેલા દારૂની કિંમત રૂ. ૫,૨૩,૬૭૩ છે. બ્રેઝા કારની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૦,૨૩,૬૭૩નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને વાહનોના ચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર



