અમેરિકાના મહાન અંતરિક્ષ યાત્રી તથા સ્પેસ સાયન્ટીસ્ટ જિમ લવેલનું 97 વર્ષની વયે નિધન થયું છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના ઘણા અંતરિક્ષ મિશનોમાં જીમ લવેલે અગ્રિમ ભૂમિકા ભજવી હતી.
“અપોલો 13” જેવા ઐતિહાસિક મિશનમાં મહત્વની ભૂમિકા
જિમ લવેલની ઉંમર જ્યારે ફક્ત 16 વર્ષ હતી ત્યારે તેમને વિજ્ઞાનમાં ખુબ રસ હતો. ઘરમાં જ રાસાયણિક તત્વો સાથે તેમણે પોતાનું રોકેટ બનાવવાનો પ્રયાસ કર્યો. વેલ્ડિંગ હેલ્મેટ પહેરીને જ્યારે રોકેટ છોડ્યું ત્યારે તે 40 ફૂટ ઉંચે ગયું અને ધડાકા સાથે નીચે પડ્યું પણ તેનાથી તે ડર્યા નહી પણ ઉલટાની રોકેટ સાયન્સમાં તેમનો રસ વધી ગયો અને આગળ જઈને તેઓએ અમેરિકાના સૌથી પ્રસિદ્ધ અંતરિક્ષ યાત્રીઓમાં સ્થાન મેળવ્યું. આવી પ્રેરણાદાયક સફર જિમ લવેલની છે . NASAના પૂર્વ અંતરિક્ષ યાત્રી, જેમણે “અપોલો 13” જેવા ઐતિહાસિક મિશનમાં મહત્વની ભૂમિકા નિભાવી.
સંભવિત દુર્ઘટનાને સફળ મિશનમાં બદલી દીધું
1970માં જ્યારે અપોલો 13 મિશન દરમિયાન યાનમાં વિસ્ફોટ થયો, ત્યારે ચન્દ્ર ઉપર ઊતરવાનો પ્રયત્ન રદ કરવાનો પડ્યો. યાન પૃથ્વીથી લાખો માઈલ દૂર હતું. ઓક્સિજન ટાંકીઓમાં ખામી આવી હતી અને મિશન સફળ થવાની આશા ન હતી. પરંતુ જિમ લવેલ અને તેમની ટીમે અદમ્ય હિંમત સાથે લૂનર મોડ્યુલનો ઉપયોગ કર્યો – જે માત્ર ચંદ્ર પર ઉતરવા માટે બનાવવામાં આવ્યું હતું. તેમણે એટલી વિકટ પરિસ્થિતિઓમાં યાનને બચાવ્યું કે તેમણે અસંભવને શક્ય બનાવી દીધું. અંતે, તે અને તેમના 2 સાથી પેસિફિક મહાસાગરમાં સફળતાપૂર્વક ઊતરાણ કર્યું અને સમગ્ર વિશ્વે આ દ્રશ્ય ટેલિવિઝન પર જોયું – અને આ ક્ષણો અંતરિક્ષ ઈતિહાસમાં અમર બની ગઈ. જિમ લેવલ અપોલો 8 મિશનના પણ સભ્ય હતા. તેઓ ચન્દ્ર ની એકદમ નજીક 2 વખત ગયા પણ ચન્દ્ર પર ઉતર્યા ન હતા.
જિમ લવેલે અસંભવને સંભવ બનાવ્યું હતું
1970માં જિમ લવેલ અપોલો 13 મિશન ના કમાન્ડર બન્યા હતા. તેમનુ યાન ચન્દ્રમાં પર ઉતારવાનું જ હતું કે યાનમાં વિસ્ફોટ થઇ ગયો. જેથી તેમનું મિશન લગભગ અસફળ થઇ ગયું હતું. યાનની ઓક્સિજન ટાંકીમાં સમસ્યા સર્જાઇ હતી . જો કે જમીન પર ઉતરવા માટે લવેલ અને તેમની ટીમે ચન્દ્રની લૂનર મોડ્યુલનો ઉપયોગ કર્યો પણ તેમાં ગરમીથી બચવાનું કવચ ન હતું. જેથી ધરતી પર તેને ઉતારવા માટે ઉપયોગ કરી શકાય તેમ ન હતો. તેમણે આ મોડ્યુલમાં રહીને મુશ્કેલ પરિસ્થિતીમાં પણ તેમનો અને 2 સાથીદારોના જીવ બચાવ્યા. તાપમાનમાં ઘટાડો તો ઓછો થઇ ગયો હતો પણ ભોજન અને પાણી પણ ઓછું થઇ ગયું હતું. પણ તે લડતા રહ્યા અને આખરે તે સફળતાપૂર્વક ધરતી પર પરત ફર્યા હતા
યુદ્ધ દરમિયાન પાઇલટની તાલીમ પણ મેળવી.
જેમ્સ આર્થર લવેલ જુનિયરનો જન્મ 25 માર્ચ 1928ના રોજ થયો હતો. બાળપણમાં જ તેઓએ પિતાને ગુમાવ્યા. માતાએ ખૂબ મહેનતથી પરિવારનું સંચાલન કર્યું. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં, લવેલે યુ.એસ. નેવીમાં જોડાવાનું નક્કી કર્યું. અન્નાપોલિસની નાવલ એકેડેમીમાં અભ્યાસ કર્યો અને કોરિયન યુદ્ધ દરમિયાન પાઇલટની તાલીમ પણ મેળવી.
ચન્દ્ર મિશનની ટીમમાં જોડાયા
વિજ્ઞાન અને ખાસ કરીને રોકેટ ટેકનોલોજી પ્રત્યે તેમનો રસ સતત વધતો ગયો. 1958માં પહેલી વખત નાસામાં અરજી કરી, પણ મેડિકલ ટેસ્ટમાં રિજેક્ટ થઈ ગયા. ચાર વર્ષ પછી 1962માં તેઓ નાસાની ‘ન્યુ નાઇન’ ટીમમાં સામેલ થયા, જેને ચંદ્રમાને પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવી હતી.
અપોલો 8 – પૃથ્વીને અંતરિક્ષથી જોયું
અપોલો 8 મિશન દરમિયાન લવેલ તેમના સાથીઓ સાથે ચંદ્રની પરિક્રમા કરતા પૃથ્વીને એક અનોખા દૃશ્યથી જોયું – જેનું નામ “અર્થરાઈઝ” મૂકવામાં આવ્યું. સમગ્ર દુનિયાને બતાવવામાં આવ્યું કે પૃથ્વી કેટલી સુંદર છે. તેઓ બે વખત ચંદ્રમા નજીક ગયા – પણ ક્યારેય ઊતરી શક્યા નહીં.


