ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા દારૂના મોટા જથ્થાનો ઝઘડિયા જીઆઇડીસી ખાતે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ઝઘડિયા, નેત્રંગ, રાજપારડી, વાલિયા, ઉમલ્લા અને ઝઘડિયા જીઆઇડીસી એમ છ પોલીસ મથકો દ્વારા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ પકડાયેલી કુલ 24,632 બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ જથ્થાની કુલ કિંમત આશરે ₹46,96,838 જેટલી થવા જાય છે.
દારૂના નાશની આ કામગીરી ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા, નાયબ કલેક્ટર, મામલતદાર કચેરીના અધિકારીઓ અને ઉપરોક્ત તમામ પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.


