GANDHINAGAR : પેથાપુર પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી ૬.૮૩ લાખનો દારૃ પકડાયો

0
101
meetarticle

ગાંધીનગર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર પોલીસ દ્વારા વિજાપુર તરફથી આવી રહેલી કારમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં કારનું પેટ્રોલિંગ કરી રહેલી અન્ય કારમાંથી પણ બે શખ્સોને પકડી કુલ ૧૯.૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૃ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારો સક્રિય કરીને આવા દારૃના જથ્થાને પકડી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સિલ્કી ગોલ્ડ કલરની ઇનોવા કાર વિદેશી દારૃ ભરીને મુબારકપુર ચોકડી થઈને પેથાપુર ચોકડી તરફ આવવાની છે. આ કારની આગળ એક કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર પાઇલોટિંગ કરી રહી હતી. આ બાતમીના આધારે, પોલીસ સ્ટાફ વિજાપુર તરફથી આવતા રોડ પર વોચ ગોઠવી હતી. અને પાયલોટિંગ કરી રહેલી કાર અને ઇનોવા કારને ઝડપી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા કારમાં તપાસ કરવામાં આવતા વિદેશી દારૃ અને બીયરની ૪,૧૬૨ જેટલી બોટલો મળી આવી હતી. જેથી આ કારમાં સવાર બનાસકાંઠા દાતાના ઇલિયાસ ગફુરભાઈ મન્સૂરી અને ઉદેપુર રાજસ્થાનના અનીશ રહીમભાઈ બક્ષને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે પાયલોટિંગ કરી રહેલી કારમાં રહેલા બે શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તે કોબા ખાતે આવેલી રામધણી હોટલમાં રહેતા બાબુભાઈ રમશુભાઈ ડામોર અને અનિલ રમેશભાઈ રાવળ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બે વાહન અને દારૃ મળી કુલ ૧૯.૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો અને આ વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here