BANASKATHA : છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા અને વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

0
123
meetarticle

માઁ જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી, જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ બની છે.

એક સંકલ્પથી શરૂ થયેલી યાત્રા
ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ ૧૯૯૫થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના ૮ કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ ૧૯૯૯માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે. માઁ અંબાને આપેલું આ વચન પૂરું કરવા માટે ગામના યુવાનોએ “માઁ વેડાઈ સેવા કેન્દ્ર”ની સ્થાપના કરીને પદયાત્રીઓની સેવા શરૂ કરી હતી.

સેવાનો વિસ્તરતો વ્યાપ
સેવા શરુ કર્યાના શરૂઆતના પાંચ વર્ષ સુધી યુવાનોના સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓને ફક્ત લીંબુ શરબત અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. સમય જતાં દાતાઓના સહયોગથી આ સેવા કેમ્પમાં પાણી-શરબત સાથે વિવિધ પ્રકારના નાસ્તા, ચા અને મેડિકલ સેવાઓ પણ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના સહકારથી પદયાત્રીઓ માટે એક વિશાળ વિસામાનું પણ નિર્માણ કરવાનું શરુ કર્યું હતું, જેથી પદયાત્રીઓ બે ઘડી આરામ કરી શકે. આ સેવા કેમ્પ દ્વારા છેલ્લા દસ વર્ષથી માઈભક્તોને સતત સફરજનનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. સફરજનને કાપી, તેના પર મસાલો નાખીને શ્રદ્ધાળુઓને માઁ વેડાઈના પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

શ્રમ અને સમર્પણની ગાથા
આ સેવા કેમ્પમાં માત્ર પૈસાનું જ નહીં, પરંતુ શ્રમનું પણ દાન થાય છે. ગામના ધંધો, સરકારી-ખાનગી નોકરી અને મોટી ખેતી કરતા યુવાનો પણ આ ચાર દિવસ દરમિયાન સેવા કેમ્પમાં આવીને રાત-દિવસ શ્રદ્ધાળુઓની સેવા કરે છે. દર વર્ષે આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીઓ આ સેવા કેન્દ્રનો લાભ લે છે. જેમાં ગાંધીનગર, માણસા, વિજાપુર, હિંમતનગર અને વિસનગર તાલુકાના ભક્તોનો પણ સમાવેશ થાય છે. ૧૦ વર્ષ પહેલા સફરજનની સેવા શરૂ કર્યા બાદ, દર વર્ષે લગભગ રૂ. ૫ લાખથી વધુનો ખર્ચ થાય છે. પરંતુ, માઁ વેડાઈની કૃપાથી અને દાતાઓના સહયોગથી આ સેવા અવિરતપણે હજુ પણ ચાલુ છે અને આગામી અનેક વર્ષો સુધી સતત ચાલુ રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here