MAHARASHTRA : અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ

0
17
meetarticle

દુષ્કર્મના આરોપી ઢોંગી બાબા અશોક ખરાતની કૉલ ડિટેઈલ લીક થયા બાદ મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. ફડણવીસે નાસિકમાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ખરાત કેસમાં લીક થયેલા કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ કરાવાશે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) દ્વારા તેની સંપત્તિના તપાસ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિને તેની કૉલ ડિટેલ રેકોર્ડ મેળવવાનો અધિકાર નથી, માત્ર અધિકૃત એજન્સીઓઓ જ મેળવી શકશે. સીડીઆર લીક કેવી રીતે થઈ અને તેની પાછળ કોનો હાથ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવાશે.

અશોક ખરાત અનેક હાઈપ્રોફાઈલ લોકો સાથે વાતચીત કરતો હતો. આ મામલે ત્યારે સામે આવ્યો છે, જ્યારે સામાજિક કાર્યકર અંજલિ દામણિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દામણિયાનો દાવો છે કે, દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાત સાથે રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ સંપર્કમાં હતા. તેમણે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના મોબાઈલ પરથી ખરાતને 17 વખત કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી લાંબી વાતચીત 21 મિનિટ સુધી ચાલી હતી. આ 17 કોલમાંથી 10 ઇનકમિંગ અને 7 આઉટગોઇંગ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

આ વિવાદમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એનસીપી(NCP) નેતા રૂપાલી ચાકણકર અંગે થયો છે. અંજલિ દામણિયાએ કોલ ડિટેલ રેકોર્ડ(CDR) સોશિયલ મીડિયા પર શેર કરતા આક્ષેપ કર્યો કે રૂપાલી ચાકણકરે ખરાત સાથે કુલ 177 વખત વાત કરી છે, જેનો કુલ સમયગાળો 33,727 સેકન્ડ જેટલો થાય છે. એટલું જ નહીં, રૂપાલીની બહેન પ્રતિભાએ પણ ખરાતને 236 કોલ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ પણ ખરાત સાથે 8-8 વખત ફોન પર વાત કરી હોવાના આક્ષેપ દામણિયાએ લગાવ્યા છે.

શિંદે મામલે ફડણવીસે કહ્યું કે, ‘આવા સંવેદનશીલ કેસોમાં માત્ર આરોપોના આધારે કાર્યવાહી ન કરી શકાય, તે માટે ચોક્કસ પુરાવા હોવા જરૂરી છે. આ કેસમાં લગભગ 12 કેસ નોંધાયા છે અને વિશેષ તપાસ ટીમ (SIT)ને સતત નવી માહિતીઓ મળી રહી છે. આ મામલે વધુમાં વધુ લોકો સામે આવીને માહિતી આપી રહ્યા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કડકમાં કડક સજા સુનિશ્ચિત કરવામાં આવશે. કેટલાક લોકો આ કેસને રાજકીય રંગ આપવા માંગે છે, પરંતુ સરકાર આવા રંગને મહત્ત્વ નહીં આપે.’

અશોક ખરાત સામે અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 કેસ ‘દૈવી શક્તિ’ના બહાને મહિલાઓના જાતીય શોષણના છે, જ્યારે બે કેસ છેતરપિંડી અને ખંડણીના છે. આ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે રાજકીય નેતાઓની આટલી લાંબી વાતચીત પાછળનો હેતુ શું હતો, તે અંગે દામણિયાએ સ્પષ્ટતાની માંગ કરી છે. બીજી તરફ, શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ ધીરજ રાખવી જોઈએ, સત્ય જલ્દી સામે આવશે. તેમણે વિરોધ પક્ષો પર આ મુદ્દાને રાજકીય રંગ આપીને આરોપી ખરાતને બચાવવાનો પ્રયાસ કરવાનો વળતો આક્ષેપ પણ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here