ખાનપુર તાલુકાના લવાણા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપતી તાલીમ શિબિર યોજાઇ
ખેડૂતો પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અભિયાનમાં જોડાય તેવા ઉદ્દેશ્યથી, કેન્દ્ર સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) કાર્યક્રમ અંતર્ગત ખાનપુર તાલુકાના લવાણા ગામે ગ્રામ પંચાયતમાં એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરથી પધારેલા વૈજ્ઞાનિક ડૉ. જાદવ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિશેષતાઓ, તેની તાત્કાલિક જરૂરિયાત અને તેના દ્વારા થતા વ્યાપક ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ક્લસ્ટરના પ્રાકૃતિક ખેતીની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ આ તાલીમનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે, પ્રાકૃતિક ખેતી કરી રહેલા પ્રગતિશીલ ખેડૂતોએ પણ શિબિરમાં હાજરી આપી હતી. તેમણે પોતાના વ્યક્તિગત અનુભવો, સફળ ખેતી પદ્ધતિઓ, દેશી બિયારણનું મહત્વ અને પ્રાકૃતિક પેદાશોના યોગ્ય બજાર વ્યવસ્થાપન વિશેની ઉપયોગી માહિતી સૌ ખેડૂતો સાથે વહેંચી હતી. આ ઉપરાંત, આ શિબિરમાં ખેડૂતોને માત્ર પ્રાકૃતિક ખેતી જ નહીં, પરંતુ તેનાથી સંલગ્ન અન્ય આવકવર્ધક પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત ખેતી અને મધમાખી પાલન વગેરે વિષયો પર પણ માર્ગદર્શન મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી, જેથી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સિદ્ધ કરી શકાય.

ભારતમાં એક સમયે અનાજની તીવ્ર અછતને પહોંચી વળવા માટે રાસાયણિક ખેતી અપનાવવામાં આવી હતી. શરૂઆતમાં, નિયંત્રિત ઉપયોગને કારણે પાકની ઉપજ અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી હતી. અતિશય ઉપયોગને પરિણામે જમીનમાં ક્ષાર અને અન્ય કઠણ પદાર્થોનું પ્રમાણ વધ્યું છે, જેનાથી જમીનનું ઉપલું પડ નિષ્પ્રાણ બની ગયું છે. પરિણામે, ખેડૂતોને અપેક્ષિત ઉપજ મળતી નથી, જ્યારે દવાઓ, ખાતરો અને હાઇબ્રિડ બિયારણોના ભાવ આસમાને પહોંચ્યા છે. વળી, અન્ય પ્રદેશોના બિયારણો સ્થાનિક વાતાવરણને અનુકૂળ ન હોવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
આ તમામ પડકારો સામે એકમાત્ર ઉત્તમ અને ટકાઉ માર્ગ છે 'પ્રાકૃતિક ખેતી' અથવા 'દેશી ગાય આધારિત ખેતી'. પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન કુદરતી રીતે ફળદ્રુપ બને છે. તે જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને નિષ્ક્રિય થઈ ગયેલા ઉપયોગી સૂક્ષ્મ જીવો અને અળસિયાને ફરીથી સક્રિય અવસ્થામાં લાવે છે, જે પાકને જરૂરી પોષણ પૂરું પાડે છે. જમીનનું સ્વાસ્થ્ય સુધરવાની સાથે જ ખેડૂતોનો ખેતી ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટે છે, જેનાથી તેમની આવકમાં વધારો થાય છે.
REPOTER : વીરભદ્ર સિંહ સીસોદીયા,મહિસાગર

