મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામે આજ રોજ બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય ખેડૂત તાલીમ-શિબિર (કિસાન ગોષ્ઠી)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લુણાવાડા તાલુકા અને આસપાસના વિસ્તારમાંથી ૧૦૦થી પણ વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ કાર્યક્રમ દરમિયાન મદદનીશ બાગાયત નિયામક મનોજ આર. ટાક દ્વારા બાગાયતી પાક વિષયક વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે ઓઇલ પામ પાકનું મહત્વ, યોગ્ય જમીન અને હવામાનની પસંદગી, ગુણવત્તાયુક્ત રોપાઓનું વાવેતર, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત-રોગ નિયંત્રણ, પાકની જાળવણી તેમજ સમયસર કાપણીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને માર્કેટિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બાગાયત અધિકારી સચિન ડી. ધોતી દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ તથા ઓઇલ પામની ખેતીથી લાંબા ગાળે વધુ આવક મેળવવાની તકો અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પતંજલિ ફૂડ્સ લિમિટેડ, આણંદથી પધારેલા ભાનુ પ્રતાપજી દ્વારા ઓઇલ પામ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આણંદના પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ, જેઓ વર્ષ ૨૦૦૯થી ઓઇલ પામ પાકની સફળ ખેતી કરી સતત આવક મેળવી રહ્યા છે, તેમણે પોતાના જમીની તથા પ્રાયોગિક અનુભવો શેર કરી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોને ઓઇલ પામ તેમજ અન્ય બાગાયતી પાકની આધુનિક, વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાની આવકમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર……. સંદીપ દેવાંશ્રયી……. મહીસાગર……..

