મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને વાહનવ્યવહારને વધુ સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આ સંદર્ભમાં આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લુણાવાડા મહિલા પોલીસ ચોકીથી નિરીક્ષણનો પ્રારંભ કર્યો હતો. ત્યાંથી ચાર કોસિયા નાકા થઈ નંદન આર્કેડ સુધીના તમામ મુખ્ય માર્ગો પર તેઓએ રૂબરૂ ચાલીને ટ્રાફિકની ગીચતાના કારણોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ રૂટ પર કયા કારણોસર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને કયા સ્થળોએ સુધારાની જરૂર છે, તે અંગે અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરી હતી.
નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક નિયમન અંગે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય લુણાવાડાના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ અપાવવાનો અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
આ મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ, ડી વાય એસ પી કમલેશ વસાવા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

