MAHISAGAR : ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન: બે વાહનો ઝડપાયા

0
27
meetarticle

મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારી લુણાવાડાની તાત્કાલિક સૂચનાઓ મુજબ ગેરકાયદેસર વનસંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગની આ ટીમે આજે વનસંપદાના સંરક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતું સફળ ઓપરેશન હાથ ધર્યું છે.

વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાકલીયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન, બપોરના આશરે ૧૨:૦૦ કલાકે, બે માલવાહક વાહનો શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યા હતા, જેના નંબર GJ 23 X 7558 અને GJ 18 T 9653 હતા.

બંને વાહનોની તલાશી લેતા, તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાજા પંચરાવ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઇવરો પાસે લાકડાના વહન માટે આવશ્યક પાસ-પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા, તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા.

વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનો અને તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવા માટે આ બંને ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વનસંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here