મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. બાલાસિનોર તાલુકામાં બે ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ ખાનપુરમાં અઢી અને સૌથી ઓછો સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

બાલાસિનોર તાલુકામાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થઇ જતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. કંટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડા અનુસાર આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં સમગ્ર તાલુકામાં સરેરાશ ૫૧ મિ.મી. એટલે કે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. બપોરે બે વાગ્યા પછી પણ આકાશમાં વાદળો તો છવાયેલા જ હતાં, પરંતુ વરસાદ થંભી ગયો હતો.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે માવઠાના કારણે ખેતરમાં ઉભેલા ડાંગર, કપાસ અને તમાકુંના પાકને સૌથી વધારે નુકસાની થઇ છે. શાકભાજીના અમુક પાક પણ વરસાદના કારણે બગડશે. દિવેલા જેવા પાકને ખાસ કંઇ અસર થશે નહીં.
સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને જરૂરી સહાય ચૂકવવા માંગણી છે.
જિલ્લામાં તા. ૨૭મીએ ક્યાં કેટલો વરસાદ
| તાલુકો | વરસાદ (મિ.મી.) |
| ખાનપુર | ૬૦ |
| કડાણા | ૪૮ |
| સંતરામપુર | ૩૪ |
| લુણાવાડા | ૪૪ |
| બાલાસિનોર | ૫૧ |
| વિરપુર | ૪૯ |

