મહીસાગર વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહયોગથી વિદ્યાર્થીઓના જીવનમાં પિઠોરા ચિત્ર તથા અન્ય આદિવાસી ચિત્રોનો અભ્યાસ કરી વ્યવસાય તરીકે સ્વીકારી રોજગારી માટે પણ ઉપયોગી થવાના ઉદ્દેશ સાથે ગુજરાત લલિતકલા અકાદમીના સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ તેમજ પિઠોરા ચિત્રકળા શિબિરનું આયોજન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંતરામપુર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના ચિત્ર વિષયના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તથા પ્રાંત અધિકારીશ્રી સત્યમ ભરવાડ અન્ય અધિકારીઓ અને ઉપસ્થિત આર્ટિસ્ટ શ્રી અજય સિંહ સોલંકી અને ભરત પટેલ તથા શાળાની વિધાર્થીનીઓ દ્વારા વોલ પેઇન્ટિંગ દ્વારા લલિત કલા અકાદમીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી સત્યમ ભરવાડ દ્વારા જણાવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક જીવનકાળ દરમિયાન શૈક્ષણિક અભ્યાસક્રમ જ નહીં પરંતુ અન્ય અભિગમ જેવા કે કળા અને ખેલ જેવા અભિગમ પર કેળવણી લેવી જોઈએ. દરેક વિદ્યાર્થીમા પોતાની અંદર રહેલી કલાને વિકસાવવા પ્રયત્નો કરવા જોઈએ. જરૂરી નથી કે સારા ભણતર દ્વારા જ કારકિર્દીનું પણ નિર્માણ કરી શકાય. ભણવામાં દરેક વિદ્યાર્થી નિપુણ જ હોય તેવું જરૂરી નથી દરેક વિદ્યાર્થીની સમજણ શક્તિ અને રસના વિષય અલગ અલગ હોય છે માટે શિક્ષક મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે બાળકમાં રહેલા કળા અથવા ખેલ જેવા અભિગમને જાણી તેમણે પ્રોત્સાહન પૂરું પાડવું જરૂરી છે.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નિરવ ચૌધરી અન્ય અધિકારી, લલિત કલા અકાદમી માંથી શ્રી અજય સિંહ સોલંકી, ચિત્રકાર શ્રી બિપીન પટેલ, શાળાના આચાર્યશ્રી, શાળાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, મહીસાગર….


