સંતરામપુર: મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાવાનાસાલિયા ગામ નજીક આવેલ કોતર ઉપરના માર્ગ પર હાલ વાહનચાલકો માટે ગંભીર સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. કોતર ઉપર રસ્તાની બંને બાજુએ લગાવવામાં આવેલા સેફ્ટી બેરીયર હાલમાં અદૃશ્ય થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે બેરીયરના સ્થાને માત્ર ખાલી થાંભલા જ ઊભા જોવા મળે છે, જેના કારણે માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છે.

વાહનચાલકો જોખમમાં
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જ્યારે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો, ત્યારે નિયમ મુજબ વાહનોની સુરક્ષા માટે સેફ્ટી બેરીયર લગાવવામાં આવ્યા હતા. જોકે, હાલ આ બેરીયર દેખાતા ન હોવાથી કોઈક અજાણ્યા તત્વો તેને કાઢીને લઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સેફ્ટી બેરીયર ન હોવાને કારણે વાહનચાલકો માટે આ કોતર ઉપરથી પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે અથવા વરસાદ દરમિયાન અહીં અકસ્માત થવાનો ભય વધી ગયો છે.

જો સેફ્ટી બેરીયર લગાવેલા હોય તો અકસ્માતની સ્થિતિમાં વાહન કોતર કે સાઈડમાં પડતું અટકાવી શકાય છે, પરંતુ હાલના સંજોગોમાં નાની ભૂલ પણ જીવલેણ અકસ્માત નોતરી શકે તેવી શક્યતા રહેલી છે જેથી નવા સેફ્ટી બેરીયર લગાવામાં આવે તો અકસ્માત થતો બચાવી શકાય
રિપોર્ટર – કાનજી ધામોત. મહિસાગર

