મહીસાગર જિલ્લા આર.ટી.ઓ. અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. ડ્રાઈવરો માટે વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રાઈવરોને માર્ગ પર સલામત ડ્રાઈવિંગ કરવા, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૦૮ ઇમરજન્સી સેવાઓની ટીમ દ્વારા અકસ્માતના સમયે જીવન બચાવવા માટેની કટોકટીની સેવાઓ જેવી કે CPR અને ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ અંગેની પ્રાયોગિક ટ્રેનિંગ આપવામાં આવી હતી. ૧૦૮ની ટીમે ડ્રાઈવરોને સમજાવ્યું હતું કે કોઈ પણ દુર્ઘટના સમયે હોસ્પિટલ પહોંચતા પહેલાની પ્રાથમિક સારવાર કેવી રીતે જીવલેણ સાબિત થતા અટકાવી શકે છે. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને ડ્રાઈવરોને જવાબદાર નાગરિક તરીકે સજ્જ કરવાનો રહ્યો હતો.
આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી એમ. એમ. પરમાર અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી એસ. બી. ઝાલાએ ઉપસ્થિત રહી ડ્રાઈવરોને અકસ્માત નિવારવા માટેની તકેદારીઓ વિશે સમજાવ્યું હતું. આ તાલીમ વર્ગમાં લુણાવાડા ડેપો મેનેજર, એસ.ટી. કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.
REPOTER : કાનજી ધામોત. મહીસાગર

