લુણાવાડાના એડિશનલ સેશન્સ જજની કોર્ટે ૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરી તેનું યૌન શોષણ કરવાના ગુનામાં આરોપી કાંતિભાઈ જેસિંગભાઈ બારિયાને ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે પીડિતાને વળતર તરીકે ૧ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાઘજી બારિયાના મુવાડા ગામના રહેવાસી કાંતિભાઈ જેસિંગભાઈ બારિયાએ વર્ષ ૨૦૨૦માં એક ૧૩ વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી, અને ભગાડી જઈ તેનું યૌન શોષણ કર્યું હતું. આ મામલે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસ મહીસાગરની એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. કેસની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ ચેતનાબેન જી. જોશીએ કરેલી દલીલોને ધ્યાનમાં રાખીને, સ્પેશિયલ પોક્સો જજ અને એડિશનલ સેશન્સ જજ એમ.એમ. પરમાર સાહેબે આરોપી કાંતિભાઈ જેસિંગભાઈ બારિયાને ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી હતી.

કોર્ટે કાનૂની સેવા સત્તા મંડળ, મહીસાગરને પણ આદેશ આપ્યો છે કે પીડિતાને વળતર તરીકે ૧ લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે.

આ ચુકાદો સગીરાઓ વિરુદ્ધ થતા ગુનાઓ પર કડક કાર્યવાહીનો સંકેત આપે છે.
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, મહીસાગર.

