MAHISAGAR : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત લુણાવાડા વિધાનસભા પદયાત્રા યોજાઈ

0
52
meetarticle

અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પદયાત્રા ૪૨ પાટીદાર સમાજઘર ખાતે પ્રભારી મંત્રીશ્રી પી સી બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક પ્રેરક અવસર છે. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું છે.
મંત્રીશ્રીએ સરદાર સાહેબના અજોડ યોગદાનને યાદ કરતાં કહ્યું હતું કે, ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય અપાવ્યા બાદ તેમનું સૌથી મોટું કાર્ય આઝાદી સમયે ૫૬૨ જેટલા રજવાડાંને એક દોરામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું હતું. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સરદાર સાહેબ ન હોત તો આજે ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત, તેથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મૂળમાં સરદાર સાહેબની આ રાષ્ટ્રીય એકતાની ભેટ જ છે.
આ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતાં પ્રભારી મંત્રીશ્રી બરંડાએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પર્વ દ્વારા આપણે સરદાર સાહેબના આદર્શો, જેમ કે સ્વચ્છતા, સંગઠન અને સાદગીને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈએ. અંતમાં, મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને અપીલ કરી હતી કે, “જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો, તે જ રીતે આપણે પણ જાતિ, ધર્મ, અને પ્રાંતના ભેદભાવ ભૂલીને, આપણા હૃદયને ‘રાષ્ટ્રીય એકતા’ના તાંતણે બાંધીશું અને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં કોઈ કસર નહીં છોડીએ.”
આ યાત્રા લુણાવાડા ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતેથી મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી પદયાત્રામાં જોડાયા હતા ત્યારબાદ મહિલા ચોંકી સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી આગળ પ્રસ્થાન કરી હતી આ યાત્રા મલેકપુર જવાના માર્ગપર આવેલ લુણાવાડા થી પાંચ કિમી દૂર કોઠા,પ્રાણનાથજી મંદિર ખાતે સમાપન થઈ હતી.
આ પ્રસંગે મંત્રી પી સી બરંડા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓના પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર અર્પિત સાગર,જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here