અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખામીગ્રસ્ત હાલતમાં ઉભેલા એક કન્ટેનરની પાછળ આઈસર ટેમ્પો ઘૂસી જતાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પો ચાલક કુલદીપસિંહ મનીસિંહ પોનિયા કેબિનમાં સ્ટીયરીંગ સાથે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ડી.પી.એમ.સી.ના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તપાસ કરતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર ખામીગ્રસ્ત વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ઘટના પણ હાઈવે પર વાહનોની સુરક્ષા સંબંધિત ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


