GUJARAT : આમોદના તણછા નજીક ચાલતી કારમાં ભીષણ આગ, જાનહાનિ ટળી

0
96
meetarticle

આમોદ તાલુકાના તણછા ગામ નજીક ગઈ કાલે રાત્રે એક ક્રેતા કાર અચાનક સળગી ઉઠી હતી. સદનસીબે, કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાએ આમોદ નગરપાલિકાના બંધ પડેલા ફાયર બ્રિગેડની પોલ ખોલી નાખી છે, જેના કારણે આગ ઓલવવા માટે પાડોશી તાલુકા જંબુસરથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી હતી.


મળતી માહિતી મુજબ, રાત્રિ દરમિયાન કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તુરંત જ કાર ઊભી રાખી દીધી હતી. જોકે, થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જોતજોતામાં આખી કારને લપેટમાં લઈ લીધી.
સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આમોદના નાગરિકોને કટોકટીમાં પાડોશી તાલુકા જંબુસર પર નિર્ભર રહેવું પડ્યું. જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. પરંતુ, ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કારમાં સવાર લોકોની ખબર પૂછી અને તેમને સાંત્વના આપી મદદની ખાતરી આપી હતી.
આ બનાવ બાદ આમોદના બંધ પડેલા ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે. લાંબા સમયથી બંધ પડેલા ફાયર બ્રિગેડને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here