AHMEDABAD : માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા

0
97
meetarticle

અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાત મહિનાની બાળકીના અપહરણ કેસમાં  ગ્રામ્ય પોલીસે કરેલી તપાસમાં બાળકોના આંતર રાજ્ય તસ્કરીના મોટા કૌભાંડના પર્દાફાશ થયો હતો. આ કેસમાં મનીષા સોંલકી નામની યુવતી મુખ્ય માસ્ટર માઇન્ડ હતી અને તેણે અત્યાર સુધીમાં ચાર બાળકોનું અપહરણ કરીને  હૈદરાબાદ અને મુંબઇમાં એજન્ટો સાથે મળીને નિસંતાન દંપતિ સાથે સોદો કર્યો હતો.  ધોળકામાં બાળકીનું અપહરણ કરવા માટે તેણે બિનલ અને જયેશ રાઠોડની મદદ લીધી હતી. જો કે ઔરંગાબાદમાં એજન્ટ નિસંતાન દંપતિને બાળક પહોંચતું કરવામાં આવે  તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામને ઝડપીને બાળકીને સલામત રીતે છોડાવી હતી. આતંરરાજ્ય કૌભાંડમાં દેશમાં ચાલતા બાળ  તસ્કરીના સૌથી મોટા કૌભાંડનો  ખુલાસો થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ધોળકાના કલીકુંડ વિસ્તારમાં સાત મહિનાની બાળકીનું શ્રીરામ કોમ્પ્લેક્સ પરથી અપહરણ થવાના મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલીને માસ્ટર માઇન્ડ મહિલા સહિત ચાર લોકોની ઔરંગાબાદથી ધરપકડ કરીને બાળકીને સલામત રીતે છોડાવવાની સાથે બાળ તસ્કરીના આતંર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે માહિતી આપતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે ધોળકામાં રહેતી મનીષા સોંલકી આ કેસની મુખ્ય માસ્ટર માઇન્ડ છે અને બિનલને પણ તેણે આ કૌભાંડમાં સામેલ કરી હતી. મનીષા આઇવીએફ પ્રોસેસ માટે સ્ત્રી બીજ દાન કરતી હતી. જેમાં તેને  ૨૫ હજાર સુધીની રકમ મળતી હતી. બિનલ આઇવીએફ હોસ્પિટલમાં નોકરી કરવાની સાથે બે વાર સ્ત્રીબીજ દાન કરી ચુકી હતી. પરંતુ, મનીષા સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સ્ત્રીબીજ દાન કરતી મહિલાઓ અને તેમના માટે વચેટીયા તરીકે કામ કરતા લોકોના પરિચયમાં હતી.

મનીષાને કેટલાંક એજન્ટો દ્વારા ઓફર કરવામાં આવી હતી કે કેટલાંક નિસંતાન દંપતિ આઇવીએફની પ્રોસેસ કરવાને બદલે  નવજાત શીશુ થી માંડીને છ મહિના સુધીના બાળકોની ખાસ ડીમાન્ડ કરે છે. જેમાં મનીષાના બે થી ત્રણ લાખ મળતા હોવાથી તેણે અગાઉ ચાર બાળકોના અપહરણ કર્યા હતા. જેમાં હૈદરાબાદમાં ત્રણ અને મુંબઇમાં એક બાળકને એજન્ટને સોંપ્યુ હતું.

 જ્યારે મુળ નાસિકમાં રહેતા એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપે મનીષાને કોલ કરીને બાળકની માંગણી કરી હતી. જેથી મનીષાએ  બિનલની મદદ લીધી હતી અને તેણે જયેશને પણ બોલાવ્યો હતો.  જયેશે  તેમની સાથે ત્રણ દિવસ રેકી કરીને  કલીકુંડ પાસેથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી નક્કી થયા મુજબ સવારે બાળકને લઇને મનીષા, બિનલ અને જયેશ અમદાવાદથી ૨૦ કલાક બાદ ઔરંગાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાળકને જગતાપને સોંપી દીધું હતું.  પરંતુ, પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ ફોન લોકેશનના આધારે  ઔરંગાબાદની ક્રાઇમબ્રાંચની મદદ લઇને અગાઉથી તમામને ટ્રેક કરીને ઝડપી લીધા હતા અને અમદાવાદથી પોલીસની ટીમને ત્યાં મોકલીને બાળકીને સલામત છોડાવવાની સાથે તમામને ઝડપી લીધા હતા.

મનીષા  દ્વારા અગાઉ અપહરણ કરાયેલા બાળકો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં તેણે અગાઉ ક્યા એજન્ટો માટે બાળકોના અપહરણ ક્યા વિસ્તારમાંથી  કર્યા છે?  તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે આ કેસમાં આગામી સમયમાં બાળ તસ્કરીના અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here