ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં થઈ રહેલી કામગીરી અને પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અર્થે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. આ પદ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે અને સાથે સાથે સમાજની તંદુરસ્તી જાળવી શકે છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જો લોકોમાં એ વિશ્વાસ જાગે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી પેદાશો ઝેર-મુક્ત છે, તો તેઓ આવી ચીજવસ્તુઓ ખરીદવા માટે વધુ પૈસા આપવા પણ તૈયાર થાય છે. તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લામાં વેચાણ કેન્દ્રો સ્થાપવા પર પણ ભાર મૂક્યો હતો. આ પગલાંથી ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળશે અને ગ્રાહકોને શુદ્ધ અને સ્વસ્થ આહાર પ્રાપ્ત થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના થતા સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો થશે. આ મિશનમાં ગુજરાતને વિશેષ ભૂમિકા ભજવવાની છે અને આ મિશનનું નેતૃત્વ કરવાનુ છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી ફક્ત ખેડૂતો માટે જ નહીં, પરંતુ સમાજ અને આપણી ભાવિ પેઢી માટે પણ અત્યંત ફાયદાકારક છે. આ પદ્ધતિથી ઉગાડવામાં આવતું અનાજ અને અન્ય ઉત્પાદનો ઝેર-મુક્ત હોવાથી સૌને આરોગ્યપ્રદ અન્ન મળી રહે છે. આથી, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવો એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પર્યાવરણની ગુણવત્તા સુધરે છે, જન આરોગ્ય વધુ સારું બને છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
પ્રાકૃતિક ખેતીના મિશનને સફળ બનાવવું એ સમયની માંગ છે તેમ કહી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ખેડૂતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે પોતાનો ખેતી વિસ્તાર વધારે તેમ જણાવી તેમણે પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને અસરકારકતા વધારવા ઉપરાંત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ માટે અનિવાર્ય એવી દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે પણ સૂચનો આપ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છતા ખેડૂતોને ગોબર-ગૌમૂત્ર, જીવામૃત-ઘનજીવામૃત, બીજામૃત જેવી પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી સામગ્રી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા જણાવ્યુ હતુ. તેમણે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં સતત સંશોધનો કરવા અને તેના પરિણામો ખેડૂતો સુધી પહોંચાડવા માટે પણ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટિમ્બડિયાએ બેઠકની શરૂઆતમાં રાજ્યપાલશ્રીને યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવેલી કામગીરી તેમજ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સફળતાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ-પ્રતિનિધિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, કૃષિ-આત્મા વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિશ્રીઓએ તેમના દ્વારા પ્રાકૃતિક ખેતી માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રગતિથી રાજ્યપાલશ્રીને અવગત કર્યા હતા અને આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ કઈ રીતે વધી શકે તે બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે, રાજ્યપાલશ્રીના હસ્તે યુનિવર્સિટીના દ્વિવાર્ષિક અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીની છેલ્લા બે વર્ષની સિદ્ધિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ.અંજુ શર્મા સહિત કૃષિ, આત્મા, પશુપાલન, આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી(ઈ.ચા)શ્રી ડી.એમ.દેસાઈ, પ્રોબેશનર આઈએએસ કુ.અંજલી ઠાકુર, આસિટન્ટ કલેકટર અને હાલોલ પ્રાંત અધિકારીશ્રી ઈ.સુસ્મીતા સહિત જિલ્લાના અધિકારીઓ સહિત યુનિવર્સિટીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.







