તહેવારોની મોસમ શરૂ થતાં જ ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળની પ્રવૃત્તિઓ ફરી સક્રિય બની છે. મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક બાતમીના આધારે કડીના નાનીકડી વિસ્તારમાં આવેલા આશીર્વાદ સોસાયટીના એક રહેણાંક મકાન પર દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અલગ-અલગ બ્રાન્ડના ઘીના 880 પાઉચ અને 3 મોટા ડબ્બા મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, કુલ 440 લિટર અને 45 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3,11,600 થાય છે. આ ઘીનું ઉત્પાદન ક્યાં અને કેવી રીતે થતું હતું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ તેની બનાવટ શંકાસ્પદ લાગી રહી છે.

કડીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
પોલીસે આ મામલે રણછોડભાઈ મણિલાલ પટેલ નામના શખ્સની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આ મામલાની વધુ તપાસ માટે SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) વિભાગને જાણ કરવામાં આવી છે. SOG દ્વારા ઝડપાયેલા ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવશે, જેથી ઘીની ગુણવત્તા અને તેમાં થયેલી ભેળસેળ વિશે જાણી શકાય.
કુલ 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું
તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય વાનગીઓમાં મોટા પ્રમાણમાં ઘીનો ઉપયોગ થતો હોય છે, ત્યારે આવા શંકાસ્પદ ઘીનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. પોલીસની આ કાર્યવાહીથી ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. SOGની આ સફળ કામગીરીને કારણે તહેવારોમાં શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

