મહેસાણા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું, જેના કારણે શહેરનો રાજકીય માહોલ ગરમાયો હતો. મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા. જેને કારણે કેટલીક જગ્યાએ અવ્યવસ્થા સર્જાઈ હતી. મતદાન દરમિયાન વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલના સમર્થકો વચ્ચે ભારે ચકમક ઝરી હતી. બંને પેનલના સભ્યો વચ્ચે બોલાચાલી અને આક્ષેપબાજી થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

મતદાન ધીમું ચાલતું હોવાના આક્ષેપ સાથે રોષ
મુખ્ય વિવાદ મતદાન ધીમું ચાલતું હોવાના આક્ષેપને લઈને થયો હતો. મતદારોએ લાંબી લાઇનો અને ધીમા મતદાન પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. બંને પેનલોએ એકબીજા પર મતદાન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો અને મતદાન પ્રક્રિયા ફરી સરળતાથી ચાલુ કરાવી હતી.

