MEHSANA : પીરોજપુરમાં ફૂલ જેવા ભૂલકાઓ ૩ વર્ષથી પતરાના શેડ નીચે ભણવા મજબૂર!

0
12
meetarticle

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પીરોજપુર ગામમાં વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. અહીં આંગણવાડીના નાનકડા ભૂલકાઓ છેલ્લા ત્રણ વર્ષથી પતરાના શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે. ગરમીમાં તાપ, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં ટપકતા પતરાં  અને આ બધાની વચ્ચે દેશનું ભવિષ્ય કહેવાતા બાળકો. વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.  પ્રશ્ન એ છે કે શું આવી પરિસ્થિતિમાં ‘વિકાસ’ માત્ર કાગળ પર જ સીમિત છે? 

કડી તાલુકાના પીરોજપુર ગામમાં ત્રણ વર્ષ પહેલા આંગણવાડીની ઇમારત જર્જરીત જાહેર થતાં તેને બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ નવી ઇમારત બનાવવાની જગ્યાએ નાનકડા ભૂલકાઓને પતરાના શેડ નીચે બેસાડવાની વ્યવસ્થા કરી દેવાઈ. ત્યાંથી આજ સુધી  ત્રણ લાંબા વર્ષોથી આંગણવાડી ખુલ્લા અને અસુરક્ષિત માહોલમાં ચાલી રહી છે. ઉનાળામાં તડકો ધગધગે છે, શિયાળામાં કડકડતી ઠંડી ચીરી નાખે છે અને ચોમાસામાં પતરાં ટપકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ શેડમાં ગાયો અને કૂતરાઓ પણ ઘૂસી આવે છે. એક બાજુ ગંદકી, બીજી બાજુ કુદરતી આફતો  અને વચ્ચે નાનકડા બાળકો શિક્ષણ લેતા નજરે પડે છે. 

ગામજનોએ અનેકવાર અધિકારીઓને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હકીકતમાં કોઈ જ કામગીરી હાથ ધરાઈ નથી. શું તંત્રને બાળકોના આરોગ્ય અને સુરક્ષાની ચિંતા નથી? દેશના વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પીરોજપુર ગામની આ તસ્વીર એ દાવાઓને પ્રશ્નાર્થમાં મૂકે છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ જ અસુરક્ષિત બને, ત્યારે દેશનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને આ નાનકડા ભૂલકાઓને સુરક્ષિત છત આપે છે.

“અહીં બાળકોને મોકલતા ડર લાગે છે. ગાયો અને કૂતરાઓ પણ આવી જાય છે. પણ બાળકોના ભવિષ્ય માટે મોકલવા પડે છે. સરકાર ઝડપથી યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ છે.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here