મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો આજે એક થયા અને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે. ONGC દ્વારા જમીન સંપાદન, ભાડું, પાઈપલાઈન અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને વર્ષોથી ચાલતા અન્યાયનો અંત લાવવા માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી છે. ખેડૂત નેતા અલ્પેશકુમાર પટેલના જણાવ્યા મુજબ ONGC દ્વારા 30-40 વર્ષથી જે જમીનો હંગામી ધોરણે સંપાદિત કરાઈ છે, તેને કાયમી કરવી જોઈએ.

પાઈપલાઈનવાળી જમીન માટે પણ ONGC પાસેથી ભાડું મળવું જોઈએ: ખેડૂતો
આ ઉપરાંત, વર્તમાનમાં ONGC પ્રતિ ચોરસ મીટર ₹36.40નું નજીવું ભાડું ચૂકવે છે, જ્યારે ટેલિકોમ ટાવર કંપનીઓ આના કરતાં દસ ગણું વધારે ભાડું આપે છે. ખેડૂતોની માગ છે કે આ ભેદભાવ દૂર થવો જોઈએ અને તેમને યોગ્ય ભાડું મળવું જોઈએ. સાથે જ ખેડૂતોએ પાઈપલાઈનના વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી પાઈપલાઈનને કારણે જમીનની કિંમતમાં મોટો ઘટાડો થાય છે. તેથી, ખેડૂતોએ એવી પણ માગ કરી છે કે પાઈપલાઈનવાળી જમીન માટે પણ ONGC પાસેથી ભાડું મળવું જોઈએ. એટલું જ નહીં, ખેડૂતોએ રોજગારીનો મુદ્દો પણ ભારપૂર્વક રજૂ કર્યો. તેમની માગ છે કે જે ખેડૂતોની જમીન ONGC દ્વારા સંપાદિત કરવામાં આવી છે, તેમના લાયકાત ધરાવતા સંતાનોને ONGCના કોન્ટ્રાક્ટમાં નોકરી આપવામાં આવે.
કલેક્ટરે અને ONGCના અધિકારીઓએ ખેડૂતોને સાંત્વના આપી
આ ઉપરાંત લેન્ડ લુઝર ખેડૂતોની સંસ્થાઓને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે, જેથી વધુમાં વધુ લોકોને લાભ મળી શકે. સમગ્ર મામલે યોગ્ય કામગીરી કરવા કલેક્ટર અને ONGCએ ખેડૂતોને સાંત્વના આપી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર હાજર રહ્યા હતા. આ મુદ્દે ONGC દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ખેડૂતોને આશા છે કે આ બેઠકમાંથી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે અને વર્ષોથી ચાલી આવતા શોષણનો અંત આવશે.

