ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકવાનું નામ નથી લઇ રહી. મહેસાણા જિલ્લાના કડી પંથકમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. SMC દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 1.38 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. પોલીસે દારૂની કુલ 18,651 બોટલો જપ્ત કરી છે જે દારૂના કાળા કારોબારની હદ દર્શાવે છે.

રાજસ્થાનના આરોપીની ધરપકડ
SMC ની ટીમે દારૂના આ જંગી જથ્થા સાથે એક આરોપીને ઝડપી પડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ હરિક કિશન સુથાર છે જે રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસે આરોપી હરિક સુથારની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધારોની શોધખોળ
પોલીસે હરિક કિશન સુથારની ધરપકડ કર્યા બાદ હવે આ દારૂનો જથ્થો મંગાવનાર અન્ય આરોપીઓ અને મુખ્ય સૂત્રધારોની શોધખોળ હાથ ધરી છે. આંતરરાજ્ય સ્તરે ચાલતા આ દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આશંકા છે કે, આ નેટવર્કમાં ગુજરાત અને રાજસ્થાનના અન્ય કેટલાક લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. SMC દ્વારા ટૂંક સમયમાં જ દારૂ મંગાવનાર અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

