ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાન્સા ગામે આખા રાજ્યને રાહ ચીંધતો એક કડક નિર્ણય લીધો છે. દારૂના કારણે ઘર ઉજડતા અટકાવવા માટે ગ્રામજનોએ એકજુથ થઈને ગામની વચ્ચે એક લોખંડી પાંજરું તૈયાર કર્યું છે. હવે જો કોઈ પણ વ્યક્તિ ગામમાં દારૂ પીધેલી હાલતમાં જણાશે, તો તેને સીધો આ પાંજરામાં 12 કલાક સુધી કેદ કરવામાં આવશે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?
પાન્સા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનું દૂષણ વકર્યું હતું. તાજેતરમાં જ ગામના રાવત સમાજ અને ઠાકોર સમાજના 2 થી 3 યુવાનોના દારૂ પીવાના કારણે અકાળે મોત નિપજ્યા હતા. જુવાનજોધ દીકરાઓના મોતે સમગ્ર ગામને હચમચાવી દીધું હતું. પરિવારો બરબાદ થતા જોઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જે અંતે ‘જનતા જાગૃતિ’માં પરિવર્તિત થયો.
ગ્રામસભામાં લેવાયેલા કડક નિયમો
ગામના ચોરે મળેલી ગ્રામસભામાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, ગામમાં દારૂ ગાળવા, વેચવા કે પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો. જો કોઈ વ્યક્તિ દારૂ પીને ગામમાં ફરતો પકડાશે, તો તેને 12 કલાક સુધી પાંજરામાં પૂરી રાખવામાં આવશે. પાંજરામાં રાખ્યા બાદ તે વ્યક્તિને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવશે. દારૂના અડ્ડા ચલાવનારાઓ સામે પણ ગ્રામજનો લાલ આંખ કરશે.
ગામના યુવાનો અને વડીલોનો નિર્ધાર
ગામના વડીલોનું કહેવું છે કે, “અમે અમારા ગામના યુવાનોને મોતના મુખમાં ધકેલાતા જોઈ શકીએ નહીં. આ પાંજરું માત્ર સજા નથી પણ એક ચેતવણી છે કે પાન્સા ગામમાં હવે વ્યસન માટે કોઈ સ્થાન નથી. આ અનોખા અભિગમની ચર્ચા હવે આખા પંથકમાં થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જો દરેક ગામ આ રીતે જાગૃત બને, તો વ્યસનમુક્ત ગુજરાતનું સપનું જરૂર સાકાર થઈ શકે.

