સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને રાતના સમયે બેસેલ મુસાફર મહિલનું પર્સ ચોરાયુ હતુ. આ અંગે પોલીસને જાણ થતા તુરંત 2 શખ્સોને ચોરાયેલ પર્સ સાથે ઝડપી લેવાયા હતા. બન્ને સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે.

મહેસાણા જિલ્લાના કડીના કરણનગર રોડ પર આવેલ મૌર્ય હોમ્સમાં રહેતુ દંપતી સુમીત્રાબેન અને રમેશભાઈ પટેલ બગદાણા અને દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં ગત તા. 6-10ના રોજ સાંજે તેઓ ઓખાથી ભાવનગર જતી ટ્રેનમાં દ્વારકાથી સુરેન્દ્રનગર આવવા નીકળ્યા હતા. તા. 7મીએ રાત્રે 1 કલાકે ટ્રેન સુરેન્દ્રનગર પ્લેટફોર્મ નં. 3 પર આવી હતી. જેમાં તેઓ ઉતર્યા હતા અને તેઓને દિકરાના ઘરે અમદાવાદ જવાનું હોવાથી ટીકીટ લઈને ફુટ ઓન બ્રીજની સીડી પાસે બાકડા પર બેઠા હતા. બાદમાં તેમના પતિ નજીકના બાકડામાં સુઈ ગયા હતા. મોડી રાત્રે 3-20 કલાક આસપાસ સુમીત્રાબેનને પણ ઝોકુ આવ્યુ હતુ. આ સમયે તેમના હાથમાં રહેલ પર્સ કોઈ ચોરી ગયુ હતુ. 10 મીનીટ પછી તેઓને આ અંગે જાણ થતા તેઓ તુરંત આરપીએફ ટીમ પાસે ગયા હતા. અને બનાવની જાણ કરી હતી. જેમાં પોલીસે બે શખ્સોને મોબાઈલ અને રોકડ સહિત રૂ.8,300ની કિંમતના મુદ્દામાલ સાથેના પર્સ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સો બિહારના આયુષ અરવિંદભાઈ વર્મા, એમપીનો મેઘ રામપાલને ઝડપી લઈને ગુજરાત રેલવે પોલીસના હવાલે કરાયા છે. બન્ને સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી બાવળીયા ચલાવી રહ્યા છે.

