મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામે આજે એક અત્યંત ભયંકર અને ચોંકાવનારી ઘટના બની છે. ગામના આંબાવાડીયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેસ ચાલુ કરતાની સાથે જ ધડાકાભેર ફ્રિજમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા છે. જ્યારે પરિવારની મહિલાને પણ ઈજા થઈ છે. બ્લાસ્ટમાં પિતા ગીરધરભાઈ પટેલ અને તેમના પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા.

ગેસ ચાલુ કરતા જ ધડાકાભેર ફ્રીઝ બ્લાસ્ટ
જ્યારે ગીરધરભાઈના પત્નીને સામાન્ય ઈજા પહોંચી હતી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટી ગયા હતા અને ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હતું. બ્લાસ્ટની તીવ્રતાના કારણે રસોડાની બહારનો ઝૂલો પણ આગની લપેટમાં આવી ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને પાડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાડોશીઓએ સમયસર આગ બુઝાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી.
દાઝેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. આ ભયંકર ઘટનાના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
