MEHSANA : વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યો

0
77
meetarticle

આધુનિક યુગમાં પણ સમાજને શર્મસાર કરતો અંધશ્રદ્ધાનો એક ઘૃણાસ્પદ કિસ્સો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરિયાઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ નખાવવાની ક્રૂર ઘટના બની હતી. એટલું જ નહીં, પીડિતા પર ગરમ તેલ પણ નાખવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે પીડિતાની નણંદ અને નણદોઇ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શું છે સમગ્ર ઘટના?

વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં રહેતી એક પરિણીતા પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો વહેમ રાખી શંકાના આધારે, પરિણીતાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સમાજમાં પ્રવર્તતી કુરિવાજ અને અંધશ્રદ્ધાને વશ થઈને, સાસરિયાઓએ ‘અગ્નિપરીક્ષા’ જેવી પ્રથા અપનાવી હતી.આરોપ છે કે, પીડિતાને ગરમ ઉકળતા તેલની કડાઈ પાસે લાવીને તેમાં હાથ નાખવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં, પીડિતાના પગ પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

નણંદ, નણદોઇ સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ

વિજાપુર પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને પીડિતાની નણંદ, નણદોઇ સહિત સાસરીપક્ષના કુલ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને અંધશ્રદ્ધાના નામે થતા અત્યાચાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here